. . .

ટેક્સટાઇલ અને હિરા ઉદ્યોગ ઉપરાંત ગુજરાતનું આ મહાનગર હવે આ કારણથી પ્રખ્યાત બની ગયું છે

ટેક્સટાઇલ અને હિરા ઉદ્યોગ ઉપરાંત ગુજરાતનું આ મહાનગર હવે આ કારણથી પ્રખ્યાત બની ગયું છે

ટેક્ષટાઇલ તથા હિરા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં પંકાયેલાં સુરત નગરમાં એક વધું જોવાલાયક નજરાણાનો ઉમેરો થયો છે. જે સ્થાન નેસ્તનાબુદ થવાનાં આરે ઉભું હતું તે હવે પીકનીક સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. આ સ્થળ એટલે વિશ્ર્વપ્રસિદ્ધ ઐતિહાસિક ગોપી તળાવ.

આજે અમે આ સુંદર મનોરમ્ય સ્થાનની સપરિવાર મુલાકાત લીધી હતી. આબાલ- વૃદ્ધોને મોજ પડે એવાં વિવિધ આકર્ષણો એમાં ઉમેરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને આઇ-મેક્સ 5D થિયેટર, બલુન રાઇડ, સિનિયર સિટીઝન માટેનાં મોર્નિંગ વોક ટ્રેક વગેરે. એ સિવાય પણ અનેક આકર્ષણો દરેક વયની વ્યક્તિને સંમોહિત કરે એવાં છે.

શહેરની મધ્યમાં આવેલ આ ગોપી તળાવનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. ઇ. સ. ૧૫૧૦ દરમિયાન સુરતનાં ગવર્નર મલેક ગોપીએ તળાવ બંધાવ્યુ હતું. ત્યારથી એ ગોપી તળાવ નામથી પ્રખ્યાત છે. તળાવમાં મહાદેવ મંદિર બનાવવામાં આવેલ જે મંદિરમાં હોડી મારફત જઇ શકાતું. સમય જતાં એ ઐતિહાસિક તળાવ લગભગ નેસ્તનાબુદ થવાનાં આરે પહોંચી ગયું હતું. આસપાસ મોટાપાયે ઝુંપડપટ્ટી ઉભી થઈ ગઈ હતી. કચરાનાં ગંજ જમા થવાં લાગ્યાં હતાં. પાણી સૂકાવા લાગ્યું હતું.

સુરત મનપાનાં શાસકોએ આ તળાવની ઐતિહાસિક યાદગીરી લુપ્ત થતી અટકાવવાનો નિર્ણય કર્યો અને સૌ પ્રથમ તળાવ આજુબાજુનાં દબાણ – ઝુંપડપટ્ટી દુર કરવાનો આરંભ કર્યો હતો. મોટાપાયે દબાણો દુર થયાં બાદ તળાવનાં રિનોવેશન વગેરેની કામગીરી માટે અંદાજે વીશ કરોડ ખર્ચવામાં આવ્યાં. નવસારી બજાર સ્થિત જાણીતાં તળાવની જાણે રોનક બદલાઇ ગઇ.

સુરત સૈકાઓથી ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. આ શહેરમાં અનેક હેરિટેજ સાઈટ છે તે પૈકીનાં ગોપી તળાવનો એક અલગ ઇતિહાસ છે જેની સંક્ષિપ્ત માહિતી મુજબ, ઇ. સ. ૧૫૧૦ આસપાસ સુરતનાં ગવર્નર મલેક ગોપીએ તળાવ બંધાવ્યુ હતું.

ગોપી તળાવનાં મુખ્ય આકર્ષણો :

  • આઇ-મેક્સ 5D થિયેટર

  • લેઝર – શો

  • સ્નો પાર્ક

  • સ્પીડ બોટ

  • બેટરી કાર

  • બલુન રાઇડ

  • સિનિયર સિટીઝન માટેનાં મોર્નિંગ વોક ટ્રેક

  • યોગા માટેની વ્યવસ્થા વગેરે.

આ ઉપરાંત રાત્રે રંગબેરંગી કલરની LED લાઇટોથી તળાવ ઝગમગી ઉઠે ત્યારે દ્રશ્ય કેવું રચાતું હશે એની કલ્પના કરી શકાય છે. રંગબેરંગી ફુવારાઓ પણ મનોરમ્ય વાતાવરણ ઉભુ કરે છે. અહી એન્ટ્રી ફી એડલ્ટ માટે ૨૦ રૂપિયા અને બાળકો માટે ૧૦ રૂપિયા રાખવામા આવેલ છે.

ગોપી તળાવ અગાઉ પાણી વિનાનું હતું. પાણી વગરનાં તળાવને તળાવ કેમ કહેવાય! એટલે તળાવને પાણીથી છલોછલ ભરી દેવાયું. અંદાજે એની ક્ષમતા પંદર કરોડ લિટરની હશે. તળાવનું બાંધકામ કરનારાં ગોપી મલેકની રચનાને દાદ આપવી પડે. કેમકે, તળાવને ૧૬ બાજુ અને ૧૬ ખુણા વડે આકાર આપવામાં આવ્યો હતો. જે સૈકાઓ પહેલાંનું બાંધકામ કેવું હશે એનો તાદ્રશ્ય ચિતાર આપે છે. આ તળાવ ભરાઇ જવાથી એક ખાસ ફાયદો એ થશે કે, એ વિસ્તારની જમીનનાં તળ ઉંચા આવશે.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!