. . .

ગુણોનાં ભંડાર સમાન આ ફળ ખાવાથી અનેક રોગોથી બચી જશો

ભારતમાં મળતાં દરેક ફળ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. અહીં એક એવાં ફળની વિગતે સમીક્ષા કરશું કે જે ગુણોનો ભંડાર ગણાય છે. આ ગુણકારી ફળનું નામ છે સીતાફળ.

સીતાફળ ઔષધિય ગુણોથી ભરપૂર છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ફળ તાસીરે ઠંડા છે. જેમાં પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ ફળમાં પ્રોટીન, કેલ્શિયમ, કેલેરી, લોહ, કેરોટિન, થાયમિન, ફોસ્ફરસ, નિયાસિન રિબોફાલ્વિન, કાર્બોહાઈડ્રેટ જેવાં ગુણકારી તત્ત્વો પુષ્કળ માત્રામાં હોય છે.

શિયાળામાં મળતાં આ ફળનું નિયમિત સેવન કરવામાં આવે તો ડાયાબીટીસ, હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ સામે રક્ષણ મળે છે. આજકાલ દરેક વ્યક્તિ કોઇને કોઇ રોગથી પીડાતી હોય ત્યારે સીતાફળ દરેક રોગમાં ઓછા વત્તા પ્રમાણમાં ફાયદો કરે છે એવું આયુર્વેદ શાસ્ત્રો કહે છે.

હવે આગળ આ ફળનાં ફાયદાઓ વિશે જાણકારી મેળવીશું. આર્યનની ખામીથી એનિમીયા નામની બિમારી લાગું પડે છે જેમાં ચક્કર આવવાં કે થાક લાગવાં જેવાં લક્ષણો જોવા મળે છે તેમાં સીતાફળનું સેવન ઘણો ફાયદો કરે છે. એ સિવાય કબજીયાતમાં સીતાફળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ટયુમર, કેન્સર, ત્વચા, સોરીયાસીસ, વાયુ, ઓસ્ટિયો આર્થરાઇટીસ, શરીરનાં સોજા જેવી બિમારીમાં સીતાફળ લાભકારી છે. સીતાફળની છાલ, પાન, મૂળ વગેરેનો ઘણાં વૈદ જાણકારો કાઢો બનાવીને દરદીઓનાં રોગ મટાડે છે. આર્થરાઇટીસ મતલબ ગઠીયા-વા જેવાં દર્દથી ઘણાં પીડાય છે જેમાં મેગ્નેશિયમની ઉણપ જવાબદાર હોવાનું મનાય છે. આ દર્દમાં સીતાફળથી રાહત થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સીતાફળ મદદ કરે છે, હાડકાં મજબૂત થાય છે કારણ કે એમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રા વધું હોય છે. જે લોકોને નાની વયમાં વાળ સફેદ થવાં, ખરી જવાં વગેરે સમસ્યા સતાવતી હોય એનાં માટે સીતાફળનાં બી માંથી બનાવેલ તેલ ઉપયોગી બને છે. જે તેલ માથાની જુ (ટોલા) નો નાશ કરવામાં સહાયક બને છે. પરંતુ સીતાફળનાં બી ઝેરી હોઇ નાનાં બાળકો ભૂલથી ખાઇ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું.

સીતાફળમાં ફોલેટ નામનું તત્વ સારાં પ્રમાણમાં હોય છે તેથી એનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરનાર સગર્ભા મહિલાઓને ખૂબ ફાયદો કરે છે. ગર્ભાવસ્થા વખતે સીતાફળનું સેવન કરવાથી ગર્ભપાત થવાનો ડર રહેતો નથી. સીતાફળનો જ્યુસ અને આઇસ્ક્રીમ પણ બનાવીને ખાઇ શકાય છે જે બજારમાં તૈયાર મળે છે પરંતુ આવી શુદ્ધ અને સાત્ત્વિક વસ્તુ ઘર સિવાય બની શકે નહીં.

સાવચેતી : આગળ જણાવ્યું તેમ સીતાફળ ગુણોનો ભંડાર છે પરંતુ કોઇપણ વસ્તુનો અતિરેક ફાયદાને બદલે નૂકશાન કરે છે એવું સીતાફળ બાબતમાં છે. એનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઇએ. વધું પડતાં ઉપયોગથી આંતરડા, ગેસ, ઝાડા વગેરે તકલીફ પેદા થઈ શકે છે.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!